કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત સભામાં એક નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ખડગેએ પોતાની સરખામણી જ્યોતિર્લિંગ સાથે કરી છે. તેમણે કહ્યું, ‘હું હિંદુ છું, મારું નામ મલ્લિકાર્જુન ખડગે છે, હું 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ છું. મારા પિતાએ મારું નામ આ પ્રમાણે રાખ્યું છે.
ખડગેના નિવેદન સામે ભાજપે ખૂબ આકરો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના નેતા શહેજાદ પુનાવાલાએ એક વિડીયો શેર કરીને ખડગેના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યુ કે, “હિંદુઓની આસ્થાનું અપમાન કોંગ્રેસ પાર્ટીની ઓળખ બની ગઈ છે. કોંગ્રેસે પહેલા શ્રી રામનું અપમાન કર્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને નાચ-ગાન ગણાવ્યું હતું, કોંગ્રેસી નેતાઓ વારંવાર ભગવાન રામ પર પણ સવાલ ઉઠાવતા આવ્યા છે. જ્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભગવાન શિવનું અપમાન કરી રહ્યા છે અને પોતાની તુલના 12 જ્યોતિર્લિંગો સાથે જ કરી દીધી છે.
પુનાવાલાએ આગળ કહ્યું કે ખડગેએ કહ્યું કે ‘હું એક પવિત્ર જ્યોતિર્લિંગ છું. હું પૂછવા માંગુ છું કે શું કોંગ્રેસ અન્ય કોઈ ધર્મ વિશે આવી ટિપ્પણી કરી શકે છે. વોટબેંક માટે કોંગ્રેસનું સ્તર એટલું નીચે ગયું છે કે હિન્દુઓની આસ્થાને સતત ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગવી જોઈએ. જો નામ શિવ છે, તો તમે ભગવાન શિવ બની જતા નથી. કરોડો લોકોની આસ્થા જ્યોતિર્લિંગમાં છે અને તેઓ પોતાને જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવે છે. આ હિન્દુ સમાજનું મોટું અપમાન છે.