સુરતમાં અલથાણના ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાચકચાર મચી જવા પામી છે. મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ અલગ-અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતના ભીમરાળ ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં બે દીકરા અને દીકરી છે. દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી. વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી. આજ વોર્ડ નંબર 30ના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે દીપિકાના પરિવારના પારિવારિક સંબંધો હોવાનું દીપિકાના પતિ નરેશ પટેલે જણાવ્યું હતું. બે વર્ષથી જ ચિરાગ સોલંકી સાથે સંપર્કમાં આવ્યા હતા.
પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યાર બાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો. પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. આ સાથે જ દીપિકા આપઘાત કરી લે તેટલી નબળી ન હોવાનું પણ જણાવીને તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તેને મરવા મજબૂર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેના કોલ ડિટેઈલની પણ તપાસ કરવામાં આવે તે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.