25 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી અદાણી, મણિપુર અને સંભલ પર ચર્ચાની માંગ સાથે વિપક્ષના વિરોધને કારણે અટકી ગઈ છે.
બુધવારે સંસદના શિયાળુ સત્રનો 7મો દિવસ છે. ગઈકાલે લોકસભામાં બેંકિંગ કાયદા (સંશોધન) બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ બિલમાં બેંક ખાતાધારકોને તેમના ખાતામાં વધુમાં વધુ ચાર નોમિની રાખવાની છૂટ આપવામાં આવશે.
ગૃહ શરૂ થતાંની સાથે જ વિપક્ષે સંભલ હિંસા અને અદાણી મુદ્દે ચર્ચાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. આજે પણ આ મુદ્દાઓ પર હોબાળો થવાની શક્યતાઓ છે. સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે સંભલમાં બનેલી ઘટના એક સુનિયોજિત કાવતરું હતું. વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત લગભગ સમગ્ર વિપક્ષે થોડા સમય માટે લોકસભામાંથી વોકઆઉટ પણ કર્યું હતું.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે દેશ ચલાવવા માટે સંસદની કાર્યવાહી ચાલવી તે ખૂબ જ જરૂરી છે. જો સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ન ચાલે તો દેશના સાંસદો અને વિપક્ષોને સૌથી વધુ નુકસાન થાય છે. અમારી પાસે બહુમતી હોવાથી અમે ચર્ચા વિના પણ બિલ પાસ કરી શકીએ છીએ. જો કે, અમને એવું કરવું યોગ્ય નથી લાગતું.
સંસદના ગેટ સામે વિરોધ ન કરો : લોકસભા સચિવાલય
વિપક્ષના સાંસદોએ અદાણી અને સંભલ હિંસા પર ચર્ચાની માંગણી સાથે વિરોધ કર્યો હતો. આ પછી, લોકસભા સચિવાલયે ગૃહના સભ્યોને સંસદના ગેટ સામે વિરોધ ન કરવા કહ્યું. સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગેટની સામે પ્રદર્શનને કારણે સંસદ ભવન સુધી આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંસદના ગેટ પર કોઈ વિરોધ ન કરવો જોઈએ.