બોગસ ડૉક્ટરો તૈયાર કરવાની સંસ્થા ચલાવતા પકડાયેલા ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોના કૌભાંડનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે. બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ આઠ ભોગ બનનારા નકલી ડોક્ટર પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેથી, પાંડેસરા પોલીસે ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં ઓનલાઈન અને ચોપડામાં લખેલા નામો સામે આવ્યા છે. ઓનલાઇન અને ચોપડા પ્રમાણે 1992થી લઈને 2024 સુધી ડિગ્રી આપવામાં આવેલા ડોક્ટરોના નામ પોલીસને હાથ લાગ્યા છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડૉક્ટર રસેશ ગુજરાતી, ડો. બીકે રાવત અને ઈરફાન દ્વારા ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જયાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી. ધો. 10-12 ભણેલાઓને તબીબી ડિગ્રી આપવામાં આવતી હતી. બોગસ ડિગ્રી આપવામાં મુખ્ય કૌભાંડી ડો. રશેસ ગુજરાતી તેની સાથે સામેલ ડૉ. ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ બી. કે. રાવત અને ઈરફાન સહિત કુલ 13ની ધરપકડ કરાઈ હતી.
રશેસ ગુજરાથી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી હજારો લોકોને નકલી ડિગ્રી આપી હતી. પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, બી.કે.રાવત અને ઈરફાન સેયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. બીજી તરફ રસેશ ગુજરાતી આણી મંડળી સામે નકલી ડોક્ટરો ફરિયાદ કરવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ જેટલા નકલી ડોક્ટરો પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેઓએ જણાવ્યું કે, રસેશ ગુજરાતીએ અમને પણ નકલી ડિગ્રી આપી છે. જેથી, આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા આ તમામ લોકોની ફરિયાદ લેવાની તજવીજ હાથ કરવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતમાં આવેલી ક્લિનિક અને અમદાવાદમાં બી.કે.રાવતની ઓફિસ સહિતની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં પોલીસને ઓનલાઈન 1200થી વધુ અને એક ચોપડામાં 1400 વધુ નામ મળી આવ્યા છે. જે લોકોને ડિગ્રી આપવામાં આવી હતી તેમના નામ ઓનલાઇન અને એક ચોપડામાં લખવામાં આવતા હતા. આ ઓનલાઇન અને ચોપડા એમ બંને મળીને આ ડેટા 1992થી લઈને નવેમ્બર 2024 સુધીનો છે. હાલ તો પોલીસ દ્વારા આ બંને નામોમાં કેટલા સરખા છે અને અલગ કેટલાક નીકળ્યા આવે છે તેની તપાસ કરી રહ્યા છે.
પોલીસ પાસે અત્યાર સુધીમાં જે નામો આવ્યા છે તેનું પણ વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા સુરતના કેટલા નામ છે અને તે કયા વિસ્તારના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ ગુજરાતના અન્ય સીટી અને જિલ્લાઓના કેટલા નામ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 2600થી વધુ નામ છે તેમાં કેટલાક ટૂંકા પણ નામ છે, જે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ જેટલા લોકોને બોગસ ડિગ્રી અપાય છે તેમને શોધવાની કવાયત પણ ચાલી રહી છે.