ગુજરાત સરકાર દ્વારા 9 ડિસેમ્બર મોડી સાંજે 25 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તરીકે જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 25 અધિકારીઓની બદલી બાદ હજુ અમદાવાદના ઘણા DCPની બદલી આવે તેવી સંભાવના છે. અમદાવાદ સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટના TRP અગ્નિકાંડ બાદ પોસ્ટિંગ માટે વેઇટિંગમાં મૂકવામાં આવેલા વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનના એડિશનલ સીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર અને ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારી ડો. શમશેરસિંઘને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે, જ્યારે તેમનો એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. શમશેરસિંઘ પાસે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ હતી જેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં વર્ષોથી ફરજ બજાવતા સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીની ગાંધીનગર ખાતે મહિલા સેલમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યાએ વિધિ ચૌધરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. વિધિ ચૌધરી અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને વહીવટનો હવાલો સંભાળશે.
TRP ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની હાકલ પટ્ટી કરવામાં આવી હતી અને અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 બ્રિજેશકુમાર ઝાની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારથી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ની જગ્યા ખાલી પડી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બડગુર્જર પાસે તેમનો વધારાનો ચાર્જ હતો.






