સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટુ જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારમધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાલપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી આજે અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર તાલપત્રી બાંધીને જુગાર ધામ ચલાવવામાં આવતું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડીંગ જ આખી જુગારધામ સહિતના ગોરખધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.