જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં હજુ કેટલાક આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સેનાના જવાનો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે. આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં ચાલી રહ્યું છે.
પોલીસ અને સુરક્ષા દળો દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લાની સરહદે આવેલા બિહીબાગ-કાદરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન 4-5 આતંકવાદીઓના જૂથ વિશે માહિતી મળી હતી. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો.ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું કહેવું છે કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચિનાર કોર્પ્સે એક્સ પર માહિતી આપી, ‘ઓપરેશન કાદર, કુલગામ. 19 ડિસેમ્બર, 2024 ના રોજ, આતંકવાદીઓની હાજરીથી સંબંધિત ઇનપુટ્સના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાદર, કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકો દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી અને જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો હતો. અમારા સૈનિકોએ તરત જ જવાબી કાર્યવાહી કરી અને ઓપરેશન ચાલુ છે.