નકલી ડિગ્રીથી બોગસ ડોકટર બનાવવાના રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જયાં નકલી ડિગ્રી આપી ન હોય. આવા 4 હજાર ડોકટરો ગુજરાતમાં છે જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે. સુરત પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી આવા 1281 બોગસ ડોકટરો મળ્યા છે જે હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી અને પ્રેકટીસ કરી રહ્યાં છે જયારે 2719નો તો હજુ સુધી કોઈ અત્તોપત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જે બોગસ ડોકટરોના નામ પોલીસ તપાસમાં ખૂલ્યા છે તેમની યાદી જે તે શહેરની પોલીસને સોંપવામાં આવી રહી છે.
સમગ્ર રેકેટમાં સુરત પોલીસે પકડેલા અમદાવાદના ડો.બી.કે.રાવત અને સુરતના રસેષ ગુજરાથી આ કાળો કારોબાર ચલાવતા હતા જેમાં બોગસ ડિગ્રી તૈયાર કરીને આપવાનું કામ બી.કે.રાવતનું હતુ. નકલી ડોકટર તરીકે ગ્રાહક લાવવાનુ કામ રસેષ ગુજરાથી કરતો હતો અને તે રાવતને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતા અને દસ મિનિટમાં રાવત બોગસ ડિગ્રી મોકલી આપતો. 70 હજારમાં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.
પોલીસે પકડેલા દસ ડોકટરોમાં ભેસ્તાનમાં રહેતો સમીમ અંસારી પણ હતો. તપાસ કરતા ખબર પડી કે, અગાઉ તેણે દોઢ વર્ષની બાળકીની સારવાર કરી હતી જેમાં આડેધડ ચાર ઈન્જેકશન આપી દેતા થાપાના ભાગે બ્લેડ વાગી ગઈ હતી અને મૃત્યુ થયુ હતુ. પરિવારના હોબાળા પછી ગુનો નોંધાયો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે તેની પાસે એનઈએચએમ ઓફ ઈન્ડિયામાંથી મેળવેલી બીઈએમએસ ડિગ્રી હતી. આ પછી તેની ધરપકડ થઈ અને જેલમાં મોકલ્યો હતો. જામીન પર છુટીને ફરી તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી.
એક મહિના પહેલા પાંડેસરામાં કર્મયોગી સોસાયટીમાં બોગસ ડોક્ટર બબલુ શુક્લા,રાજારામ દુબે સહિતનાઓએ જનસેવા નામથી હોસ્પિટલ શરૂ કરી દીધું હતું. હોસ્પિટલ શરૂ કરવા પહેલા તેઓએ રસેષ ગુજરાથી પાસેથી બોગસ ડિગ્રી મેળવી હતી. રસેષ ગુજરાથીએ હોસ્પિટલમાં પોતાને ભાગીદાર બનાવવા માટે બબલુ શુક્લા અને રાજારામ દુબે પર દબાણ કર્યું હતું. ત્યારે બંને બોગસ ડોક્ટરોએ રસેષ ગુજરાથીને એવું કહીને ના પાડી કે રૂપિયા તેઓ લગાવે છે તો તેને ભાગીદાર કેમ બનાવે. તેથી રસેષ ગુજરાથી ઉશ્કેરાયો અને તેને મીડિયા અને પોલીસ તથા આરોગ્ય તંત્રને આ બાબતે જાણકે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરી દીધી છે. તેથી પોલીસ અને આરોગ્ય વિભાગે બીજા દિવસે હોસ્પિટલ બંધ કરાવી દીધી હતી. પોલીસે તપાસ કરતા ખબર પડી કે બબલુ શુક્લા અને રાજારામ દુબેની બીઇએમએસની ડિગ્રી બોગસ છે.