શુક્રવારે સાંજે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલો ઇમ્ફાલ પૂર્વ જિલ્લાની સરહદે આવેલા સાયબોલ ગામમાંથી કેન્દ્રીય દળોને હટાવવામાં અધિકારીની કથિત નિષ્ફળતા પર કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. 31 ડિસેમ્બરે સાયબોલ ગામમાં મહિલાઓ વિરુદ્ધ સુરક્ષાકર્મીઓ દ્વારા બળપ્રયોગ કર્યા બાદ કુકી જૂથોએ વિરોધ કર્યો હતો.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ ગામમાં કેન્દ્રીય દળો, ખાસ કરીને BSF અને CRPFની હાજરી પર અસંતોષ વ્યક્ત કરીને ઓફિસ પર પથ્થરો અને વિવિધ વસ્તુઓ ફેંકી હતી. આ ઘટના દરમિયાન પોલીસ અધિક્ષક કચેરી પરિસરમાં પાર્ક કરાયેલા કેટલાક પોલીસ વાહનોને નુકસાન થયું હતું.
કાંગપોકપી જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા કુકી-જો મહિલાઓ પર કથિત લાઠીચાર્જ સામે એક આદિવાસી સંગઠને આર્થિક નાકાબંધી શરૂ કરી છે. અન્ય એક સંગઠને પણ જિલ્લામાં 24 કલાકનો બંધ પાળ્યો છે. મણિપુરના એક આદિવાસી સંગઠને કુકી-જો વિસ્તારમાં આર્થિક નાકાબંધી શરૂ કરી હતી. આ નાકાબંધી કાંગપોકપી જિલ્લાના સાયબોલ ગામમાં સુરક્ષા દળો દ્વારા મહિલાઓ પર કથિત કાર્યવાહીના વિરોધમાં કરવામાં આવી રહી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી.






