ઉત્તર ભારત જ નહીં હાલ સમગ્ર દુનિયાના અનેક વિસ્તારો હાડ થીજાવતી ઠંડીમાં જકડાયા છે. યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટકવાઈ ગયા હતા. અમેરિકામાં પણ બરફના તોફાને કરોડો લોકોને ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા છે. વધુમાં તોફાનના કારણે વીજપૂરવઠો ખોરવાતા લોકોએ અંધરાપટમાં રહેવું પડશે. શનિવારથી શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી અમેરિકાને ઘમરોળશે. બરફના તોફાનના કારણે પશ્ચિમ અમેરિકામાં 2000 જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ છે.
બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેન્ટીમીટર જેટલો બરફ જામી જતા ગ્રામીણ વિસ્તારો અળગા પડી ગયા હતા અને વ્યાપક પ્રમાણમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. નેશનલ ગ્રિડએ બર્મિંગહેમ, બ્રિસ્ટલ અને કાર્ડિફ જેવા વિસ્તારોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરવા અથાક પ્રયાસો કર્યા હતા. લગભગ તમામકાર્યક્રમો રદ કરાયા હતા, જો કે લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની પ્રીમિયર લીગ મેચ અંતિમ નિરીક્ષણની રાહ જોઈ રહી છે.
બ્રિટનમાં ભારે હિમવર્ષાથી અનેક એરપોર્ટને અસર થઈ હતી. લિવરપૂલના જોન લેનન એરપોર્ટ અને માનચેસ્ટર એરપોર્ટના રનવે હંગામી રીતે બંધ કરી દેવાયા હતા. લીડ્સ બ્રેડફોર્ડ એરપોર્ટનું સંચાલન પણ સ્થગિત કરી દેવાયું હતું. સાવચેતી ખાતર બંધને કારણે માર્ગ પરિવહનમાં વિક્ષેપ સર્જાયો હતો અને ખાસ કરીને પરિવારો તેમજ વિદ્યાર્થીઓ રજાની છૂટ્ટીમાંથી પાછા ફરતા હોવાથી અનેક ઠેકાણે અટકી પડેલા વાહનોને કારણે અફરાતફરી મચી ગઈ હતી.
રેલવેની પણ આવી જ હાલત થઈ હતી અને અનેક ટ્રેનો રદ કરાઈ હતી તેમજ કાર્યોના દિવસે પણ વિક્ષેપો સર્જાઈ શકે તેવી ચેતવણીઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગે ઉત્તર ઈંગલેન્ડ અને સ્કોટલેન્ડમાં ભારે હિમવર્ષાની આગાહી કરી હતી જ્યારે દક્ષિણમાં ઠંડાગાર વરસાદ પછી હવામાન મધ્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત દક્ષિણ ઈંગલેન્ડમાં ટોવ અને એવન નદીઓમાં પૂરની આઠ ચેતવણી આપવામાં આવી હતી.
જર્મનીમાં પણ આવી જ મુશ્કેલીઓ
શિયાળુ હવામાન દક્ષિણ-પશ્ચિમ તરફ વળતા જર્મનીમાં પણ આવી જ મુશ્કેલીઓ સર્જાઈ હતી. પ્રશાસને બ્લેક આઈસની ચેતવણી આપીને નાગરિકોને ઘરમાં જ રહેવાની ભલામણ કરી હતી. બ્લેક આઈસમાં રસ્તા અને પાણી પર નજરમાં ના આવે તેવી બરફની પાતળી પડ જામી જાય છે જેના કારણે ગંભીર અકસ્માતનું જોખમ છે. ફ્રેન્કફર્ટ એરપોર્ટમાં 120 ફ્લાઈટ રદ થઈ હતી જ્યારે મ્યુનીક એરપોર્ટ એક જ રનવે સાથે ચાલુ રખાયું હતું. રસ્તાઓની હાલત પણ ખરાબ હતી અને હેમિનજેન નજીક આઠને ઈજા પમાડતી બસ દુર્ઘટના સહિત અનેક અકસ્માતો સર્જાયા હતા. ફ્રેન્કફર્ટમાં લાંબા અંતરની ટ્રેનોમાં પણ અનિયમિતતા સર્જાઈ હતી. તીવ્ર હવામા સામે ઈન્ફ્રાસ્ટ્રકચરની નબળાઈ છતી થઈ છે અને સમગ્ર યુરોપ સહિત આ બંને દેશોએ આગામી દિવસોમાં સતત વિક્ષેપ સર્જતી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.