વડોદરાના વરણામા પોલીસે આલમગીર ગામ પાસે આવેલા પેટ્રોલપંપ અને હોટલ પર પથ્થર મારો કરી રૂા.25 હજાર જેટલી રકમની લૂંટ ચલાવવાના વર્ષ 1981ના કેસમાં વોન્ટેડ આરોપીને 44 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. આ ગુનામાં 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. જ્યારે 6 આરોપીઓ ફરાર હતાં.
વરણામા પોલીસે જે તે સમયે ગેંગ બનાવી હાઈવે પર લુંટફાટ કરતી ગેંગ મહારાષ્ટ્ર ખાતેના નંદુરબાર જિલ્લાના કોટલી ખુર્દ ગામે હાજર હોવાની બાતમી મળી હતી. જેથી આરોપીઓને પકડવા માટે વરણામા પોલીસના માણસો કોટલી ખુર્દ ગામ ખાતે સ્થાનીક લોકોના પહેરવેશ મુજબ સતત બે દિવસ રહીને ગામના ખેતરો અને ગામની સીમમાં ફરી આરોપીઓની વોચ રાખી હતી. જેમાં આરોપી મગન ઉર્ફે મંગુ બારક્યા વસાવે તેમજ જાલમસીંગ ઉર્ફે જેલમા સેલા વસાવે ગામમાં હજાર હોવાનું તેમજ કરણસિંગ માડક્યા વસાવે, અંબુ બાવલીયા ગાવીત અને તુકારામ સુકા કોકણી મૃત્યું પામ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
જેથી પોલીસે મરણ ગયેલા આરોપીઓના મરણ દાખલા મેળવ્યા બાદ મગન વસાવે (ઉ.વ.65) અને જાલમસીંગ વસાવે (ઉ.વ.74)ની ધરપડ કરીને વરણામા પોલીસ મથકમાં લઈ આવ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, પકડાયેલા આરોપીઓ વર્ષ 1981 થી 1984 દરમિયાન ગેંગ બનાવીને હાઈવે પર આવેલા પેટ્રોલપંપ તેમજ હોટલ ઉપર રાત્રી દરમિયાન પથ્થરમારો કરીને લુંટફાટ કરતા હતાં.