ગોહિલવાડ પંથકમાં શિયાળાની સિઝનમાં જાન્યુઆરી માસમાં પ્રથમ વખત લઘુતમ તાપમાનનો પારો ઘટીને 12.6 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. રાત્રી દરમિયાન પૂર્વતર દિશામાંથી ફુકાય રહેલા હિમ પવનથી લઘુતમ તાપમાનનો પારો ગગડીને 12.6 ડીગ્રી પહોંચી જતા શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો જયારે મહત્તમ તાપમાન પણ 1.1 ડિગ્રીનો ઘટાડો થતા દિવસનું તાપમાન 25.7 ડિગ્રી રહ્યું હતું જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોએ ઠંડીનો સામનો કર્યો હતો.
આજે બુધવારે પણ વહેલી સવારે કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. મંગળવારે દિવસભર ઠંડા પવનનું સામ્રાજ્ય અકબંધ રહ્યું હતું. દિવસ દરમિયાન સરેરાશ 20 કી.મી.ની ઝડપે પવન ફૂકાયેલો રહેતા ઘરની બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રો પહેરવા લોકો માટે ફરજીયાત બન્યા હતા, આ વખતે શિયાળા દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી સાચી સાબિત થઈ રહી છે. કાતિલ ઠંડીના પગલે નાના બાળકો અને વડીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ શરદી અને ઇન્ફેક્સનના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.તેમજ હૃદય રોગના દર્દીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગરમાં શિયાળાની ધીમી શરૂઆત બાદ ઠંડી જામતી જાય છે ત્યારે આજે બુધવારે લઘુતમ તાપમાનનો પારો 12.6 ડિગ્રીએ પહોંચી જતા શહેરભરમાં ગુલાબી ઠંડી નો પ્રારંભ થયો હતો, ગઈકાલે મહત્તમ તાપમાન 25.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ, લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો જોર વધ્યું છે.