ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનપર સ્પેસવોક શરૂ કર્યું. આ દરમિયાન તેમના અંતરિક્ષ સાથી અવકાશયાત્રી નિક હેગ પણ તેમની સાથે હતા.
નાસાએ તેમના સ્પેસવોકના લાઈવ ફૂટેજ શેર કર્યા છે. આ સ્પેસવોકનો હેતુ ન્યુટ્રોન સ્ટાર ઈન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપને રિપેર કરવાનો છે. આ મિશનનું નામ ‘યુએસ સ્પેસવોક-91’ છે. આ મિશન સુનિતા વિલિયમ્સની કારકિર્દીનું 8મું સ્પેસવોક છે અને હેગનું ચોથું સ્પેસવોક છે. આ સ્પેસવોક લગભગ 6.5 કલાક સુધી ચાલ્યું હતું.
આ સ્પેસવોક દરમિયાન સુનીતા અને તેના સાથીદાર નિક હેગે ISSના બાહ્ય ભાગ પર સમારકામનું કામ કર્યું હતું. આમાં સ્ટેશનના નેવિગેશન સાધનોનું સમારકામ, NICER એક્સ-રે ટેલિસ્કોપ પર લાઇટ ફિલ્ટર્સ પેચિંગ અને ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર પર માઉન્ટ થયેલ રિફ્લેક્ટર ઉપકરણને બદલવાનો સમાવેશ થાય છે.
સુનીતા વિલિયમ્સ 12 વર્ષ બાદ સ્પેસવોક કરી રહ્યા છે. તેણી એક્સ્ટ્રાવેહિક્યુલર એક્ટિવિટીઝ (ઇવીએ)માં તેમની કુશળતા માટે જાણીતા છે, જે ISSના ઓપરેશન અને અપગ્રેડેશન માટે મહત્વપૂર્ણ છે. નાસાએ ગયા વર્ષે મે મહિનામાં અવકાશયાત્રીઓના સ્પેસવોકને રોકી દીધું હતું. વાસ્તવમાં, પછી અવકાશયાત્રીના સૂટના કૂલિંગ લૂપ (ઠંડક પ્રણાલીમાં પાણીનો ઉપયોગ થાય છે) માંથી પાણી એરલોક (જ્યાંથી અવકાશયાત્રીઓ બહાર નીકળે છે) માં લીક થવા લાગ્યું. આ સમસ્યાનો ઉકેલ આવ્યા બાદ, પ્રથમ વખત કોઈ અવકાશયાત્રીએ સ્પેસવોક કર્યું છે.