રાજ્યમાં વધુ એક HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)નો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 7 પર પહોંચ્યો છે. અમદાવાદમાં જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે દર્દી મૂળ મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં છે. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 18 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યમાં HMPVના પોઝિટિવ કેસનો કુલ આંક 7 થયો
ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. હકીકતમાં એ કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, જોકે હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ મોડી કરવામાં આવતાં 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો.
9 જાન્યુઆરીએ પ્રાંતિજમાં 7 વર્ષીય બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો
પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતાં ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો હતો.
9 જાન્યુઆરીએ અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ
અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીનાં સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.