પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે.
સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબૂમાં કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષિત સુનિશ્ચિત કરવાનો છે. શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે.
મહાકુંભના પ્રોટોકોલ
1. નો વ્હિકલ ઝોન – હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે.
2. VVIP પાસ રદ – કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે.
3. વન-વે – શ્રદ્ધાળુઓની સુચારુ અવર-જવર માટે વન-વે રોડ પોલિસી લાગુ
4. બોર્ડર પર નાકાબંધી – પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે.
5. ફોર વ્હિલર પર બૅન – શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.