અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી ગયું. વિમાનમાં 64 લોકો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. હાલમાં, એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. બંને વિમાનોનો કાટમાળ પોટોમેક નદીમાં છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, પાણીમાંથી અનેક મૃતદેહો મળી આવ્યા છે. દરમિયાન, NBCએ અહેવાલ આપ્યો કે પોટોમેક નદીમાંથી ચાર લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.
વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માત અમેરિકન એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને યુએસ આર્મી સિકોર્સ્કી (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં ત્રણ લોકો પણ સવાર હતા. એરલાઇન કંપનીએ રાત્રે 9 વાગ્યા પછી અકસ્માતની પુષ્ટિ કરી. આ જેટ કેન્સાસ રાજ્યથી રાજધાની વોશિંગ્ટન આવી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રીગન નેશનલ એરપોર્ટ (DCA) નજીક સ્થાનિક સમય મુજબ રાત્રે 8:50 વાગ્યા પછી વિમાન દુર્ઘટના અંગે અનેક ફોન કોલ આવ્યા હતા.
યુએસ વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અકસ્માત અંગે માહિતી આપવામાં આવી છે. ટ્રમ્પ સતત આના પર નજર રાખી રહ્યા છે. ટ્રમ્પે લોકોને શાંત રહેવા કહ્યું છે અને અધિકારીઓને બચાવ કામગીરી હાથ ધરવા જણાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. વાન્સે નાગરિકોને અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી.