મહાકુંભના સંગમ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે50 લોકો ઘાયલ છે. એક ગુજરાતી શ્રદ્ધાળુનું અવસાન થયું છે. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરતમાં સ્થાયી થયા હતા.
વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું. જોકે મહેશભાઈનું મોત આ નાસભાગ કે પછી એટેક આવવાથી થયું તે અંગે ચોક્કસ માહિતી મળવા પામી નથી. મહેશભાઈ પટેલના મૃતદેહને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામે લવાઇ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, બુધવારે વહેલી સવારે પ્રયાગરાજ ખાતે થયેલી ભાગદોડમાં ઘણા લોકોનાં મોત થયાં હોઇ મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત જાહેર થઇ હતી. જોકે, પરિચિતોના કહેવા મુજબ, એટેક આવવાથી મૃત્યુ થયું હતું. વહીવટી તંત્રના સૂત્રોએ તેમના સંબંધી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તેમને એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું.