પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જેમા ગોધરાના 7 સભ્યનો પરિવાર મંગળવારની મધરાતે સંગમ ઘાટ તરફ સ્નાન કરવા 1.30 કલાકે જઇ રહ્યું હતું. તે દરમ્યાન અચાનક જ બેરીકેટ તુટતા ભાગદોડ મચી ગઇ હતી. જેમાં પરીવારનો 7 વર્ષનો કિશોર દબાઇ ગયો હતો. બાળકે ભારે બુમાબુમ કરતા ઉત્તર પ્રદેશ પોલીસ મદદ માટે દોડી આવી હતી. આખરે ભારે જહેમત બાદ ભાગદોડમાં દબાઇ ગયેલા કિશોરને બહાર કાઢીને જીવ બચાવ્યો હતો. જયારે મધરાતે મચેલી નાસભાગમાં પરીવારની 3 મહિલા પણ વિખુટી પડી ગઇ હતી. જે મહીલાઓનુ પરીવાર સામે 12 કલાક બાદ મિલન થયું હતું.
ગોધરાના સિંદુરી માતા મંદિર વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ ઢોલી, પત્ની આશાબેન, 7 વર્ષનો કીશોર મૌલેષભાઇ, પ્રેમીલાબેન, સુખીબેન, બેબીલાબેન તથા ચિરાગભાઇ રાવલ તા.27 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ ખાતે કુંભ મેળમાં પહોચ્યા હતા. મંગળવારની રાત્રીએ અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે સ્નાન કરવા માટે ચાલતા નીકળ્યા હતા. ત્યારે મધરાતે 1.30 કલાકની આસપાસ અચાનક જ બેરીકેટ તુટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. ભારે ભાગદોડના પગલે પરિવાર વિખુટો પડી ગયો હતો. નાસભાગમાં ભાવેશભાઇનો 7 વર્ષનો પુત્ર મૌલેષ પડી જતા ભીડની વચ્ચે દબાઇ ગયો હતો. પોતાનો પુત્ર દબાઇ જતા પિતાએ ચીસાચીસ કરીને ઉત્તર પ્રદેશની પોલીસને જાણ કરી હતી. પોલીસ દોડી આવીને નીચે દબાઇ ગયેલ કિશોરને ભારે મુશ્કેલીથી બહાર કાઢીને જીવ બચાવ્યો હતો.
પુત્રને હેમખેમ જોતા પિતાની આંખમાં આસુ આવી ગયા હતા. જ્યારે ભાગદોડમાં પરિવારની 3 મહીલાઓ પણ વિખુટી પડી જતા તેઓની શોધખોળ હાથ ધરી હતી. પરિવારે મૃતદેહો વચ્ચે મહિલાઓની શોધખોળ કરી પણ મળી આવી ન હતી. આખરે 12 કલાક બાદ ભીડમાંથી 3 મહીલાઓ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. નાસભાગમાં પરીવારના સામાન સાથે રોકડ રકમ પર ગુમ થઇ ગઇ હતી. પરંતુ કીશોરનો જીવ બચતા અને મહીલાઓ મળી આવતાની ખુશીમાં સામાન ગુમ થવાનો ગમ ભુલાઇ ગયો હતો. આખરે મહાકુંભમાં પરિવારે શાહિ સ્નાન કરીને ગોધરા આવવા પરત ફર્યા હતા.