સુરતના લિંબાયત વિસ્તારમાં જ્યુસ પીધા બાદ વૃદ્ધ દંપતિની અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન પતિનું મોતનું મોત થયું હતું જ્યારે પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વૃદ્ધ દંપતી છેલ્લા એક મહિનાથી રોજ દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. હાલ તો વૃદ્ધ દંપતિને ફુડ પોઈઝનિંગની અસર થવાની શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા રવિઆશિષ એપાર્ટમેન્ટમાં 64 વર્ષીય રાજેન્દ્ર રામેશ્વરપ્રસાદ લખોટીયા પત્ની સાથે રહેતા હતા. પરિવારમાં એક પુત્રી છે. રાજેન્દ્રભાઈ હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. સાંજે તેમની પત્ની મંજુલાબેન સાથે દૂધી, બીટ અને ગાજરનું જ્યુસ પીધુ હતું. બાદમાં બંનેની અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજેન્દ્રને નવી સિવિલમાં લાવ્યા હતા.
સિવિલ લવાયેલા રાજેન્દ્રભાઈને ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે તેમની પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનાથી આ વૃદ્ધ દંપતી દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. સાંજે પણ તેમને જ્યુસ પીધું હતું. જેથી ફુડ પોઈઝનિંગની બંનેને અસર થઈ હોવાની શકયતા છે.