બજેટ રજૂ થાય તે પહેલાં જ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 136 પોઈન્ટના વધારા સાથે 77,637ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 20 પોઈન્ટ ઉપર છે, તે 23,528ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઉપર અને 8 નીચે છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 ઉપર અને 18 નીચે છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સૌથી વધુ 0.82%નો વધારો થયો.
NSEના ડેટા અનુસાર વિદેશી રોકાણકારો (FII)એ 31 જાન્યુઆરીના રોજ 1,188.99 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ 2,232.22 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 31 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.75%ના ઘટાડા સાથે 44,544 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.50% ઘટીને 6,040 પર બંધ થયો. નાસ્ડેક ઇન્ડેક્સ 0.28% ઘટ્યો.
સામાન્ય રીતે શનિવારના દિવસે શેરબજાર બંધ રહે છે પણ આજે 1 ફેબ્રુઆરી, શનિવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી શેરબજાર ખુલ્યું છે. કેન્દ્રીય બજેટ અને શેરબજારને સીધો સંબંધ છે. બજેટ રજૂ થતું હોય ત્યારે સવારે 11 વાગ્યાથી શેરબજારમાં ટ્રેન્ડ બદલાતો દેખાય છે. આમ તો, બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં ઘણી ઉથલપાથલ જોવા મળે છે.
દાયકાનો આ ત્રીજો શનિવાર છે જ્યારે શેરબજાર ખુલ્યો છે
જ્યારે જ્યારે બજેટ હોય ત્યારે સ્ટોક માર્કેટ એલર્ટ મોડમાં જ હોય છે. અગાઉ બે વખત એવું થયું છે કે બજેટ શનિવારે હોય અને એ દિવસે સ્ટોક માર્કેટ ખુલી રહી હોય. આ વખતે આવું ત્રીજીવાર થયું છે. આ પહેલાં 1 ફેબ્રુઆરી, 2020 અને 28 ફેબ્રુઆરી, 2015ના દિવસે એવું થયું હતું કે બજેટ શનિવારે હતું અને ત્યારે શેરબજાર ખુલ્લું રહ્યું હતું. ભારતીય સ્ટોક એક્સચેન્જ વીકએન્ડમાં બંધ રહેતા હોય છે. પણ આ વખતે ખાસ સેશન ચાલુ રહેવાનું છે. NSE અને BSEમાં ફૂલ ટ્રેડિંગ સેશન રહેશે. 31 જાન્યુઆરી (શુક્રવાર)ના ટ્રેડિંગનું સેટલમેન્ટ 3 ફેબ્રુઆરી, સોમવારે કરવામાં આવશે.