મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની આગેવાનીવાળી સરકારમાં આંતરિક ડખાં ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી, જેમાં અજિત પવાર તો પહોંચ્યા હતા, પરંતુ એકનાથ શિંદે ગેર હાજર રહ્યા હતા. અગાઉ પણ તેઓ ફડણવીસ દ્વારા બોલાવાયેલી કેબિનેટ મીટિંગમાં ગયા નહોતા. આમ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ગેર હાજરીથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
હકીકતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવાયેલી બેઠકમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થવાની હતી. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાઉસિંગ સાથે સંબંધિત મંત્રાલય એકનાથ શિંદે પાસે જ છે. આમ છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. જોકે, શિંદેના પક્ષ તરફથી ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે આ બેઠકમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે, અગાઉ ગત અઠવાડિયે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ શિંદે હાજર રહ્યા નહોતા. આમ એક જ અઠવાડિયામાં શિંદે બે મહત્ત્વપૂર્ણ બેઠકોથી દૂર રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં મંત્રી હતા, પરંતુ વર્ષ 2022માં તેણે શિવસેનામાં ભાગલા પાડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જે પછી રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી હતી અને એનડીએની સરકાર બની હતી. આ સરકારમાં શિંદેને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે, 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવાયા હતા, પરંતુ શિંદે આ વાતથી નારાજ થઇ ગયા હતા અને ઘણાં દિવસો સુધી તેઓ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિરોધમાં હતા.