સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પંપિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્મોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ મૃતક બાળકના ફેન્સી પોસ્ટમાં તમને તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે.
પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 5 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે હું કતારગામ ખાતે મારી કડીયાકામની મજુરી કરવા ગયો હતો. ત્યારે મારી પત્ની (વૈશાલીબેન)નો મારા મોબાઈલમાં ફોન આવેલ અને જણાવેલ કે, હેવન એન્કલેવની બાજુમાં બુધવારી ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે. જેથી હું તરત જ કામ પરથી નીકળી ગયો અને આશરે પોણા છએક વાગ્યે હું હેવન એન્કલેવ પહોંચ્યો ત્યારે ત્યાં ફાયર બ્રિગેડના માણસો અને મારી પત્ની, મારી બહેન નીલાબેન દિનેશભાઈ જોગીયા સહિતના હાજર હતા અને માણસોનું ટોળું ભેગુ થઈ ગયું હતુ.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી પત્નીને બનાવ બાબતે પૂછતા મારી પત્નિએ મને જણાવ્યું હતું કે અમે અહી આગળ ખરીદી કરવા માટે આવ્યા અને અહિં આગળ આઈસ્ક્રીમની સ્ટ્રો પાછળ ફેંકતા દીકરો તે લેવા માટે જતા ત્યાં ખુલ્લા ઢાંકણવાળી ગટરમાં પડી ગયો હતો. ત્યાં રાહદારીઓને બુમ મારી બોલાવતા ત્યાં માર્કેટમાં કામ કરતા બે માણસો આવ્યા અને તેઓ ગટરમાં ઉતર્યા અને કેદારનું બુટ મળી આવ્યું, પરંતુ કેદાર મળી આવ્યો નહીં. ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પંપિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મારી આ ગટર વિભાગના દેખરેખ રાખતા અધિકારી-કર્મચારી વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ છે. તેમજ આ ઘટના બાદ મને જાણવા મળ્યું હતું કે, સ્થાનિકોએ આ ગટરનું ઢાંકણ બંધ કરવા માટે ફરિયાદ કરેલ હોય તેઓ બેદરકારી દાખવી તેઓ ઢાંકણ બંધ કરવા આવેલ નથી. જેથી ગટરમાં પડવાથી કોઈ મૃત્યું થઈ શકે તેવું જાણવા છતા ગટર બંધ કરેલ નથી. પિતાની ફરિયાદ આધારે અમરોલી પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.