ભાવનગરમાં વિકાસના ગામમાં ગતિ જેવું કંઈ છે જ નહિ, પછી તે ઓવરબ્રિજ હોય કે સામાન્ય રોડ. મ્યુ. તંત્ર વાહકો પર જાણે દુનિયાભરનું ભારણ હોય તેમ એક પણ વિકાસ કાર્ય સમયસર પૂર્ણ નહિ થતા પ્રજાના ભાગે સુખ સગવડ કરતા દુવિધા વધુ આવે છે, તેનો આ તસવીર પ્રત્યક્ષ પુરાવો છે.!
શહેરમાં જવેલસ સર્કલથી ધોબી સોસાયટી થઈ બોરતળાવ બાલવાટિકા માટેનો રસ્તો પહોળો બનાવવા ગત ઉનાળામાં આગ ઓકતી ગરમી વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું અને વર્ષોથી (ગેરકાયદે) બાંધકામ કરી વસતા લોકોને બેઘર કર્યા હતા. તંત્રએ કડક કાર્યવાહી કરી આ જગ્યાએ નવો અને પહોળો રોડ બનાવવાની યોજના રજૂ કરી હતી. ડીમોલેશન પતી ગયું અને પર્યાપ્ત જગ્યા પણ મળી ગઈ પરંતુ તંત્રએ આજદિન સુધી વિકાસ કર્યો હોય તો તે માત્ર મોટા કપચા પાથરવાનું કામ થયું છે, આ કારણે રસ્તે પસાર થતા વાહન ચાલકોની ટાયરમાં આવીને પથ્થરો ઊડી રહ્યા છે અને ધૂળની ડમરી ચડે છે. આખરે તંત્રને અહી પાકો ડામર રોડ કે આરસીસી રોડ બનાવવાની ફુરસદ ક્યારે મળશે..?! તે અંગે લોકો સવાલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનને રોડ માટે મળેલી કરોડોની ગ્રાન્ટ વાપર્યા વગર જ પડી રહી છે ત્યારે કોને દોષ દેવો લોકોને તે સમજાતું નથી!
તસવીર : ધવલ વાજા