બાંગ્લાદેશ પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે બે ફિલ્મ અભિનેત્રીઓની અટકાયત કરી છે. આ બે અભિનેત્રીઓ મેહર અફરોઝ શોન અને સોહાના સબા બાંગ્લાદેશી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ મેહર વિરુદ્ધ રાજદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સોહાના વિરુદ્ધના આરોપો હજુ સુધી જાણી શકાયા નથી.
ઢાકા મેટ્રોપોલિટન પોલીસના એડિશનલ કમિશનર રેઝાઉલ કરીમ મલિકના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે પૂછપરછ માટે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમને રાજધાની ઢાકાના મિન્ટુ રોડ પર આવેલી ડીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા. ન્યૂઝ એજન્સી ANI સાથે ફોન પર વાત કરતા મલિકે કહ્યું કે અમને કેટલીક માહિતી મળી છે. આ આધારે અમે મેહરને પૂછપરછ માટે અટકાયતમાં લીધી છે.
મેહર અફરોઝના પિતા અને જમાલપુર જિલ્લા અવામી લીગના ભૂતપૂર્વ સલાહકાર મોહમ્મદ અલીના ઘર પર તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવી દેવામાં આવી હતી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ગુરુવારે સાંજે નરુન્ડી બજારમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ એક સરઘસ કાઢ્યું હતું. થોડા સમય પછી આ સરઘસ મોહમ્મદ અલીના ઘરે પહોંચ્યું. ત્યારબાદ હુમલાખોરોએ મેહરના પિતાના ઘર પર ઇંટો અને પથ્થરો ફેંક્યા અને બાદમાં તેને આગ લગાવી દીધી. મેહરના પિતાએ છેલ્લી ચૂંટણીમાં જમાલપુર-5 (સદર) બેઠક પરથી ટિકિટ માટે ચૂંટણી લડી હતી. પરંતુ પાર્ટી તરફથી ટિકિટ ન મળવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા નહીં. મેહરની માતા, તહુરા અલી, 1996માં અનામત બેઠક પરથી આવામી લીગના સાંસદ હતા. મેહરે ફેસબુક પર બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી હતી. તે બાંગ્લાદેશની પ્રખ્યાત અભિનેત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને પ્લેબેક સિંગર છે.