યુટ્યુબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડીયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. મુંબઇ અને ગુવાહાટી પોલીસે FIR નોંધી હોવા છતાં તેના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે.
સમય રૈનાના ગુજરાતમાં શોનું નામ છે ‘સમય રૈના અનફિલ્ટર્ડ’. આ નામ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, કોમેડીના નામે બેફામ કોમેન્ટ્સ થશે. 1:30 કલાકનો આ શો ફક્ત 18 પ્લસ માટેનો છે અને bookmyshow થી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. ટિકિટના ભાવ રૂપિયા 999 છે. ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું છે. રૈનાના શોની શરૂઆત અમદાવાદથી થશે. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાશે. જેમાંથી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાથી જ હાઉસફુલ થઈ ચૂક્યો છે. સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાશે જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો સંપૂર્ણપણે બૂક થઈ ગયો છે.
અશ્લીલતાના વિવાદનું મૂળ સમય રૈના અને યુટ્યુબર રણવીર અલ્લાહાબાદીના ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ના શોની ક્લિપ્સમાં રહેલું છે. જે રવિવારે વાઈરલ થઈ હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ કન્ટેન્ટને કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મુંબઇ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને regularisation અને લોકોમાં freedom of speechની માગ ઉઠી હતી.