સુરતના મોરાભાગળ વિસ્તારમાં યુવતીને તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતી આપઘાત કરવા હાઇટેન્શન ટાવર ઉપર ચઢી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળે પહોંચી યુવતીનું મહામુસીબતે રેસ્ક્યૂ કરી નીચે ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતી મુળ ઓડિશાની રહેવાસી છે અને દિલ્હી તે કામ કરે છે અને ત્યાંથી તે પોતાના પ્રેમીને મળવા સુરત આવી હતી. અહીં હોટલમાં રોકાણ બાદ બોયફ્રેન્ડે અને ગર્લફ્રેન્ડ વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો અને યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, દિલ્હીથી યુવતી સિંગણપર વિસ્તારમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે આવી હતી. ગઈકાલ રાતે તેઓ બન્ને હોટલમાં રોકાયા હતા. સવારે યુવતી અને તેનો પ્રેમી હોટલમાં જમવા માટે ગયા હતા, તે દરમિયાન તેમના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. યુવતી હોટલમાં જમી રહી હતી, ત્યારે તેનો સામાન અને રૂપિયા લઈને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. યુવતીએ સુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો અને તાપી નદી કિનારે કોઝવે પાસે જઈને હાઈટેન્શન ટાવર ઉપર ચઢી ગઈ હતી.
સ્ટેશન ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું કે, યુવતી હાઈટેન્શન લાઈન પર ચડી હોવાનો કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતાં. યુવતી ટાવરના ચોથા પીલર ઉપર હતી. અમે તેને ઘણી સમજાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાતમાં રાખીને ફાયરના જવાનો સાથે ઉપર ચડીને તેને નીચે ઉતારી લીધી હતી. નીચે પડી ન જાય તેના માટે વ્યવસ્થિત તેને બાંધી દીધી હતી, જેથી કરીને ઉતારતી વખતે પણ જો તે કૂદી પડે તો કોઈ ઈજા ન થાય. યુવતી દિલ્હીથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. માથાના ભાગે ઈજા થવાથી લોહી નીકળતું હતું, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.