પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ 31.58 કરોડનાં ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ આયુષ્મમાન યોજનામાં ગેરરીતિ, દુરુપયોગ અને ખોટી એન્ટ્રી જેવાં કારણોસર આ ખાનગી હોસ્પિટલના ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં 14 જાન્યુઆરી 2025ની સ્થિતિએ ખાનગી હોસ્પિટલોના કુલ 562 કરોડના 2.7 લાખ ક્લેમ રિજેક્ટ થયા છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 139 કરોડ, છત્તીસગઢ-મધ્યપ્રદેશમાં 120 કરોડના ક્લેમ રદ કરાયા હતા. આ યોજનામાં ગેરરીતિ બદલ દેશમાં 1,114 હોસ્પિટલને યોજનામાંથી હટાવવામાં આવી છે. ગુજરાતની 71 સહિત દેશમાં 571 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ યોજનામાં ગેરરીતિ અને દુરુપયોગને પારખવા માટે નેશનલ એન્ટિ ફ્રોડ યુનિટ દ્વારા રૂલ બેઝ્ડ ટ્રિગર, મશીન લર્નિંગ અલ્ગોરિધમ, ઇમેજ ક્લાસિફિકેશન વગેરે જેવી 57 અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતમાં 2018-19થી 2023-24 દરમિયાન 11,120 કરોડ રૂપિયા ખાનગી અને સરકારી હોસ્પિટલને ચૂકવાયા છે. જેમાંથી 60%થી વધુ રકમ ખાનગી હોસ્પિટલને ચૂકવાઇ છે. આ છ વર્ષ દરમિયાન રાજ્યમાં 50.22 લાખ દર્દીઓએ આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લીધી છે. છેલ્લાં 3 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ 3.37 લાખ દર્દીઓની સારવાર પાછળ 1008 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
લોકસભામાં અન્ય એક જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજનામાં 4 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ ગુજરાતમાં 9 ડોક્ટર્સ અને 71 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે હોસ્પિટલને આ યોજનામાંથી હટાવવામાં આવી છે અને એકને બ્લેકલિસ્ટ કરાઇ છે. ગુજરાતમાં આવી હોસ્પિટલોને 19.90 કરોડનો દંડ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી 15 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં ખાનગી હોસ્પિટલના સૌથી વધુ ખોટાં બિલ રદ ( આંકડા કરોડ રૂપિયામાં)
રાજ્ય ક્લેમ રદ
ઉ.પ્રદેશ 139.02
છત્તીસગઢ 120.34
મધ્યપ્રદેશ 119.34
હરિયાણા 45.03
કેરળ 34.95
ગુજરાત 31.58