વડાપ્રધાન તરીકે લોકોએ PM મોદીને ઘણા પસંદ કર્યા છે પરંતુ દેશમાં જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો જનતા આગામી વડાપ્રધાનના રૂપમાં કોને જોવા માંગે છે. મનમાં કેટલાક નેતાઓની તસવીર સામે આવે છે. વડાપ્રધાન તરીકે PM મોદી સિવાય રાહુલ ગાંધી, અમિત શાહ અને મમતા બેનરજીને પણ લોકોએ પસંદ કર્યા છે.
સી વોટરે મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે જેના અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય છે તો લોકોએ પોતાના PMના રૂપમાં નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કર્યા છે. 51.2 ટકા લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને જ્યારે 24.9 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. ત્રીજા નંબર પર મમતા બેનરજી છે. 4.8 ટકા લોકો ઇચ્છે છે કે મમતા બેનરજી વડાપ્રધાન બને.ચોથા નંબર પર અમિત શાહ છે. 2.1 ટકા લોકો ઇચ્છે છે કે અમિત શાહ વડાપ્રધાન બને. તે બાદ અંતમાં અરવિંદ કેજરીવાલ છે. 1.2 ટકા લોકો કેજરીવાલને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આ સર્વેથી સ્પષ્ટ લાગે છે કે જનતા NDAને ફુલ સપોર્ટ કરી રહી છે. જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો NDAની સરકાર પૂર્ણ બહુમત સાથે બની શકે છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે 2 જાન્યુઆરીથી લઇને 9 ફેબ્રુઆરી 2025 વચ્ચે કરવામાં આવ્યો છે જેમાં 54418 લોકો સામેલ થયા હતા. રિપોર્ટ બનાવવા માટે 25 હજાર કરતા વધુ લોકોના વિચારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે યોજાયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 240 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસે 99 બેઠક પર જીત મેળવી હતી.