અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ F-35 આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે F-35 ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેમનો દેશ ભારતને F-35 ફાઇટર પ્લેન પૂરા પાડશે. ભારત સાથે સંરક્ષણ સહયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે ભારતને ટૂંક સમયમાં F-35 ફાઇટર જેટ પૂરા પાડવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ સહયોગને વધુ વધારશે.
સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ વર્ષથી અમે ભારતને અનેક અબજ ડોલરના સૈન્ય શસ્ત્ર સરંજામના વેચાણમાં વધારો કરીશું. તેમણે કહ્યું કે લોકહીડ માર્ટિન F-35 લાઈટનિંગ પણ ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવશે. F-35 સ્ટીલ્થ ફાઇટર એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.