મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ પગલું લેવામાં આવ્યું છે. એન બિરેન સિંહના રાજીનામા પછી, નવા મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી હતી, તે દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું જ્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. જ્યારે રાજ્ય સરકાર આ બંધારણની જોગવાઈઓ અનુસાર કાર્ય કરી શકતી નથી, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય બંધારણની કલમ 356 હેઠળ લેવામાં આવે છે.