ઉત્તર પ્રદેશના ગાજીપુર લોકસભા બેઠક પરના સાંસદ અફઝલ અંસારીએ મહાકુંભ અને શ્રદ્ધાળુઓની મજાક ઉડાવી છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપી કહ્યું કે, કુંભમાં નહાવા માટે હોડ મચી છે. લોકો માને છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી તેઓને વૈકુંઠ મળી જશે, આવી સ્થિતિમાં સ્વર્ગ હાઉસફુલ થઈ જશે અને નર્ક સાવ ખાલી થઈ જશે.
તેમણે રવિદાસ જયંતી કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં સ્નાન કરવાની હોડ મચી છે. એવું લાગે છે કે, દરેક સ્વર્ગમાં જશે, જેના કારણે હાઉસફુલ થઈ જશે અને નરક સંપૂર્ણ ખાલી રહેશે.’ તેમણે કહ્યું કે, મહાકુંભના કારણે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. યુવાઓ ટ્રેનોના કાચ તોડી રહ્યા છે, પોલીસ અસાહય જોવા મળી રહી છે. અંસારીએ મૌની અમાવસ્યાએ થયેલી નાસભાગનો ઉલ્લેખ કરી કહ્યું કે, લોકો કચડાઈને મરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલના બાહુબલી નેતા મુખ્તાર અંસારીના મોટા ભાઈ સાંસદ અફઝલ અંસારીએ બે મહિના પહેલા આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મહાકુંભમાં ગાંજાની આખી માલગાડી ખપાઈ જશે. સાધુ-સંતો માત્ર ગાંજો પીવે છે.’ આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ ગાજીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. હવે તેમણે ફરી મહાકુંભ અને શ્રદ્ધાળુઓ પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.