મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કોલસા ભરેલા ટ્રકની ટક્કરથી મોટરસાઇકલ પર મુસાફરી કરી રહેલા બે વ્યક્તિઓના મોત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ સાત બસો અને ચાર હાઇવા (કાર્ગો વાહનો) ને આગ ચાંપી દીધી હતી, જેના લીધે વિસ્તારમાં અરાજકતા ફેલાઇ ગઈ હતી.
માહિતી મુજબ, મૃતકોની ઓળખ રામલાલ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અમિલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા. અમેલિયા ખીણમાં માર્ગ અકસ્માત બાદ થયેલી અંધાધૂંધીની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને શાંત કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ટોળા દ્વારા જે વાહનોને આગ લગાવવામાં આવી હતી તે એ જ કોલસા ખાણ કંપનીના હતા જેના લોડર ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. આ વાહનો કોલસાના પરિવહન અને કોલસાની ખાણોમાં કામ કરતા કર્મચારીઓના પરિવહનમાં ઉપયોગમાં લેવાતા હતા. સિંગરૌલીના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મનોજ ખત્રીએ જણાવ્યું હતું કે વાહનોને આગ લગાવ્યા પછી ગુસ્સે ભરાયેલા ટોળા કોલસાની ખાણો તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ પોલીસે ત્વરિત સમજ બતાવી ભીડને વિખેરી નાખી.