રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયા રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લાગ્યા છે.અનેક પરિવારો લીલા તોરણ સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી અને લગ્નવિધિ શરૂ કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
રાજકોટના એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલાતોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેઓને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી.
——-