રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત “ખોડીયાર ઉત્સવ” કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા. ૦૧-૦૩-૨૦૨૫ શનિવારના રોજ ખોડીયાર મંદિર પરિસર, રાજપરા તા. શિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૬:૩૦ કલાકથી આયોજીત થયો છે.
આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ કેન્દ્રિય રાજય મંત્રી નીમુબેન બાંભણીયા રહેશે. કાર્યક્રમમાં મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, રૈયાબેન મિયાણી, (પ્રમુખ, જિલ્લા પંચાયત, ભાવનગર) તથા ધારાસભ્યો જીતેન્દ્રભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ તથા સુધીરભાઈ વાઘાણી, શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે તથા અન્ય પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર છે.
આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે, માતાજીની દેવીસ્તુતિ, મિશ્ર રાસ, ઢાલ તલવાર રાસ, ગરબો, ગોફ ગુંથણ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તથા આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાશે જેમાં પ્રસિધ્ધ લોકગાયિકા ઈશાની દવે પોતાની કલા રજૂ કરશે. ભાવનગરની જનતાને ખોડીયાર ઉત્સવમાં સહભાગી થવા જાહેર અનુરોધ કરાયો છે.