પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોરેશિયસ સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. ઉલ્લેખનીય છે કે આ કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો 21મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
પીએમ મોદીએ કહ્યું કે મોરેશિયસના લોકો, અહીંની સરકારે મને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય લીધો છે. હું તમારા નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું. આ ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક સંબંધો માટે આદર છે.ભારતીય પ્રવાસીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, હું 10 વર્ષ પહેલા આજના દિવસે મોરેશિયસ આવ્યો હતો. હોળી પછી એક અઠવાડિયું હતું અને હું મારી સાથે ‘ફગવા’નો આનંદ લઈને આવ્યો હતો. આ વખતે હું હોળીના રંગો મારી સાથે ભારત લઈ જઈશ. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પોતાના લોકો વચ્ચે આવ્યો છું. અહીંની માટી ઘણા ભારતીયો, આપણા પૂર્વજોના લોહી અને પરસેવાથી ભળી ગઈ છે. આપણે બધા એક પરિવાર છીએ.