આરટીઆઈ કરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી લોકો પાસેથી પૈસા ખંખેરવાનો ધંધો કેટલાક લોકોએ શરૂ કરી દીધાનું સામે આવ્યું છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને તેની આડમાં તોડબાજીનો ધંધો કરતા બોગસ પત્રકારો સામે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ઉપરાછાપરી પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં પણ જશવંતસિંહ બ્રહ્મભટ્ટ નામના કહેવાતા પત્રકાર સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં બંને બનાવમાં ભોગ બનનાર દબાણ કરી છરો બતાવી રૂપિયા 50-50 હજારની માંગણી કરી 15-15 હજાર પડાવી વધુ રકમની માંગણી કરતો હતો. જેથી પોલીસે બે અલગ અલગ ફરિયાદ તેની સામે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટોની આડમાં કેટલાક લોકો રીતસર પાલિકાના અધિકારીઓ, બિલ્ડરો અને જમીન લે વેચ કરતા લોકોને ટાર્ગેટ કરી ભારે આતંક મચાવી રહ્યા છે. જોકે સુરત શહેરમાં પોલીસ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆત બાદ પોલીસ કમિશનરે લાલ આંખ કરી શહેરમાં આવા દુષણને દૂર કરવાની ઝુંબેશ ઉપાડી છે. જેમાં અલગ અલગ પોલીસ મથકોમાં અનેક કહેવાતા પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે ગુનાઓ નોંધાયા છે. ત્યારે ગતરોજ રાંદેરવાડી હનુમાન ચોક પાસે સાઈ દર્શન સોસાયટીમાં રહેતા એવીન હેમંતકુમાર સુખારામ વાલા એ જશવંતસિંહ અમૃતલાલ બ્રહ્મભટ્ટ નામના કહેવાતા પત્રકાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી વિસ્તારમાં પતરાનો સેડ ગેરકાયદેસર અને જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન વિરુદ્ધ હોવાનું જણાવી તેમના ગળે છરો મૂકી રૂપિયા 50,000ની માંગણી કરી હતી.