સુરત શહેરમાં મંગળવારે સતત બીજા દિવસે હીટવેવની અસર વર્તાઈ હતી. હીટવેવને લઇ સવારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જે મુજબ ભરબપોરે કાળઝાળ ગરમી પણ પડી હતી. રસ્તાઓ પર લોકો ગરમીથી બચવા જાતજાતના નુસખા અજમાવતા જોવા મળ્યા હતા. બુધવારે હીટવેવને લઇ શહેર-જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેથી આવતીકાલે ગરમી 40 ડિગ્રી આસપાસ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ 24.8 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમમાં 1.8 ડિગ્રીનો ઘટાડો અને લઘુતમમાં 0.3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 44 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. પશ્ચિમ દિશાથી 4 કિમીની ગતિએ પવન ફૂંકાયા હતા. અત્રે નોંધનીય છે કે, આ સિઝનમાં સોમવારે 41.8 ડિગ્રી સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવે સંભવતઃ માર્ચના છેલ્લા સપ્તાહમાં ફરી હીટવેવનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે.