ગૃહ મંત્રાલયેરાજ્યસભામાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ ડિજિટલ ધરપકડના કેસોમાં સામેલ 3,962 થી વધુ સ્કાયપે આઈડી અને 83,668 વોટ્સએપ એકાઉન્ટ્સને ઓળખી અને બ્લોક કર્યા છે. I4C એ ગૃહ મંત્રાલયની એક ખાસ શાખા છે જે સાયબર ગુનાઓ પર નજર રાખે છે.ગૃહ રાજ્યમંત્રી સંજય બંદી કુમારે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ તિરુચી શિવના પ્રશ્નના જવાબમાં આ લેખિત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સાયબર ગુનેગારો ED, CBI જેવી એજન્સીઓના અધિકારીઓ તરીકે ઓળખાઈને છેતરપિંડી કરવા માટે આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા.
આ ઉપરાંત, 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં 7.81 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.08 લાખથી વધુ IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે. તે જ સમયે, 13.36 લાખથી વધુ ફરિયાદોના આધારે, 4386કરોડ રૂપિયાથી વધુના નુકસાનને ટાળી શકાયું. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP)એ આંતરરાષ્ટ્રીય સ્પૂફ કોલ્સને ઓળખવા અને બ્લોક કરવા માટે એક સિસ્ટમ વિકસાવી છે. જ્યારે આવા કોલ આવે છે, ત્યારે મોબાઇલ પર ભારતીય નંબર દેખાય છે, જોકે કોલ ક્યાંક વિદેશથી આવી રહ્યો છે. TSPને આવા કોલ્સ બ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સાયબર ક્રાઇમ અંગે ફરિયાદ કરવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1930 શરૂ કરવામાં આવ્યો છે. જાગૃતિ વધારવા માટે પ્રાદેશિક ભાષાઓમાં જાગૃતિ કોલર ટ્યુન પ્રસારિત કરવામાં આવી રહી છે.
રિઝર્વ બેંકના એક અહેવાલ મુજબ, 2023 દરમિયાન દેશમાં 30 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હતી. તે જ સમયે, છેલ્લા 10 વર્ષમાં, બેંકોએ સાયબર છેતરપિંડીના 65,017 કેસ નોંધાવ્યા છે. જેમાં કુલ 4.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.