ટેરિફ પોલિસીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ શું કરશે એ આખી દુનિયા માટે પ્રશ્ન છે. મંગળવારે ટ્રમ્પે કેનેડાના સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર પહેલાં તો ટેરિફ 25%થી વધારીને 50% કરી દીધો, પરંતુ લગભગ 6 કલાક પછી તેને પાછો ખેંચી લીધો. કેનેડા અને અમેરિકાની વચ્ચે ટેરિફને લઇને સતત પોલિસીથી બદલાવની અસર મંગળવારે અમેરિકી બજારમાં જોવા મળી, જે હવે 6 મહિનાના સૌથી નીચા સ્તરે પછડાયું છે.
કેનેડાએ યુએસ ટેરિફનો જવાબ આપવા માટે કેનેડાના ઓન્ટારિયો પ્રાંત દ્વારા કેટલાક ઉત્તરીય યુએસ રાજ્યોમાં મોકલવામાં આવતી વીજળી પર 25% સરચાર્જ લાદ્યો.તમને જણાવી દઈએ કે કેનેડાનો સૌથી ગીચ વસ્તી ધરાવતો પ્રાંત ઓન્ટારિયો અમેરિકામાં 15 લાખ ઘરોને વીજળી પહોંચાડે છે. ટ્રમ્પ આનાથી ખૂબ જ નાખુશ હતા, અને કેનેડાને પાઠ ભણાવવા માટે તેમણે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ બમણો કરી દીધો. ટ્રમ્પે વિચાર્યું કે આનાથી કેનેડા પર દબાણ આવશે અને તે વીજળી પરનો સરચાર્જ પાછો ખેંચી લેશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે તેમણે કોમર્સ સચિવ હોવર્ડ લુટનિકને ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો નિર્દેશ આપ્યો છે અને તે આજથી એટલે કે બુધવારથી અમલમાં આવશે. આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે કેનેડાને ડેરી ઉત્પાદનો અને કાર પર ટેરિફ ઘટાડવા ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો કેનેડા ઊંચા ટેરિફ ઘટાડશે નહીં, તો તેઓ ટેરિફમાં વધુ વધારો કરશે.