જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક થવાની ઘટનાએ આખા પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં પાકિસ્તાની જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક સેના અધિકારીએ જણાવ્યું કે, 28 નોન-ડ્યૂટી સૈનિકોની ટ્રેનમાં જ હત્યા કરી દેવાઈ, જ્યારે એક સૈનિક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. બીજી તરફ BLA દાવો કરી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 100 મુસાફરો માર્યા ગયા છે. જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્રેન હાઇજેકની નિંદા કરી છે અને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. શાહબાઝે એમ પણ લખ્યું છે કે, સેનાએ કાર્યવાહી કરી છે અને ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલી દીધા છે.
શહબાઝ શરીફે ‘X’ પર લખ્યું છે કે, ‘મેં મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે વાત કરી, જેમણે મને જાફર એક્સપ્રેસ પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના હાલના ઘટનાક્રમો અંગે માહિતી આપી. આ કાયરતાપૂર્ણ કૃત્યથી આખો દેશ ઘેરા આઘાતમાં છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી દુઃખી છે. આવા કાયર કૃત્યો પાકિસ્તાનના શાંતિ માટેના સંકલ્પને ડગમગાવી શકશે નહીં.’ પાકિસ્તાનના પીએમએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું શહીદોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને જન્નમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે. ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમ(નર્ક)માં મોકલવામાં આવ્યા છે.’
બુધવારે બલૂચિસ્તાનમાં બલૂચ લડવૈયાઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ ઘટનાને લગભગ 30 કલાક વીતી ગયા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેમણે 190 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ ઘટનામાં બલૂચ લિબરેશન આર્મીના 70-80 આતંકીઓ સામેલ હોવાનું કહેવાય છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા જારી કરાયેલા તાજેતરના નિવેદન અનુસાર, તેઓએ અત્યાર સુધીમાં 100 મુસાફરોને મારી નાખ્યા છે. BLA કહે છે કે પાકિસ્તાની સેનાના હુમલા બાદ (મુસાફરોને બચાવવાના પ્રયાસમાં) તેણે આ પગલું ભર્યું છે. BLA માંગ કરે છે કે પાકિસ્તાન સરકાર આગામી 24 કલાકની અંદર બલૂચ જવાનોને મુક્ત કરે. BLAએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેના બલુચિસ્તાનના લોકો પર ત્રાસ ગુજારે છે.