મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, કાર અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બન્ને વાહનોનો કચ્રઘાણ વળી ગયો હતો. વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 ઘાયલોને તાત્કાલિક બદનવરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગેસ ટેન્કર ખૂબ જ ઝડપથી રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. તેની સામે આવી રહેલી કાર અને પિકઅપને ટક્કર મારી હતી. કાર અને પિકઅપમાં મુસાફરી કરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગેસ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અકસ્માત બાદ, ચાર રસ્તા પરનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. બાદમાં, પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કર્યા હતા.