રાજકોટમાં ધુળેટીના દિવસે આગની ઘટનામાં ત્રણ લોકો ભડથું થયા હતા. રાજકોટના પોષ વિસ્તાર એવા 150 ફૂટ રોડ પર આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળ પર આગ લાગી હતી. આગમાં 60 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે એક વિદ્યાર્થી સહિત ત્રણ ડિલિવરી બોયનું મોત થયું હતું. જ્યારે 1 યુવતી આગમાં દાઝી જવાનું સામે આવ્યું હતું. ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગની ઘટના સામે આવી હતી. જેમાં સ્વીગી કંપનીના ડિલિવરી બોય અજયભાઇ મકવાણા તથા બ્લિંક ઇટ કંપનીના ડિલિવરી બોય કલ્પેશભાઈ લેવા અને તેનો પિતરાઈ ભાઈ મયુરભાઈનું મોત થયું હતું.
સ્થાનિકોને કહેવા મુજબ, બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું. આજે રજાને કારણે ફ્લેટ બંધ હતો. જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી. જેમાં લિફ્ટમાં જેટલા લોકો નીચે ઉતરી ગયા હતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સાતમા માળથી 12મા માળ સુધીના લોકો ફ્લેટમાં જ ફસાઈ ગયા હતા. જેનાનું ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ભાજપના નેતાઓ દોડી ગયા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ડો. દર્શીતા શાહ અને ધારાસભ્ય રમેશ ટીલારા દોડી આવ્યા હતા. આગ મોટી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને આખો વિસ્તાર કોર્ડન કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃતક અજયભાઇ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ.31) રાજકોટના કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે આવેલ વીર સાવરકરનગરમાં રહે હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા. તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં આઠમા માળે ફૂડ પાર્સલ ડિલિવરી કરવા ગયાને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક અજયભાઈને સંતાનમાં એક 3.5 વર્ષની દીકરી છે જેનું નામ દિશા છે અને પરિવારમાં તે બે ભાઈમાં મોટા હતા. પત્નીને મોતની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં કરુણાંતિકા સર્જાય હતી. જ્યારે મૃતક કલ્પેશ પીઠાભાઈ લેવા બ્લિંક ઇટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા હતા. તેનો પરિવાર ઉના તાલુકાના વિસવાડા ગામે રહે છે. કલ્પેશનો પિતરાઈ ભાઈ મયુર દિનુભાઈ લેવા આજે અભ્યાસમાં રજા હોવાથી તેની સાથે ડિલિવરી આપવા માટે ગયો હતો. કલ્પેશ અમે મયુર બન્ને પિતરાઈ ભાઈ છે અને તે પીજીમાં રહેતા હતા. જ્યારે મૃતક મયુર કોલેજમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ લેવાના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા