વડોદરા શહેરના એન્ફોર્સમેન્ટ વિભાગમાં પી.એફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. પી.એફ ઇન્સ્પેક્ટરએ ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાનું જણાવી દંડ થશે એવી વાત કરી લાંચ માંગી હતી. દંડ અને કેસ થવાની કાર્યવાહીથી બચવા માટે ફરિયાદી પાસે પી.એફ ઇન્સ્પેક્ટર બિનોદ હરિકાંત શર્માએ લાંચ માંગી હતી.
ACBમાં ફરિયાદ કરનાર ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટની કામગીરી કરે છે. ફરિયાદીએ પી.એફ ઇન્સ્પેક્ટર બિનોદ હરિકાંત શર્માને લાંચની રકમ ૪૦,૦૦૦ આપવા નહી માંગતા હોય એ. સી.બીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ એ. સી.બી દ્વારા આજે છટકું ગોઠવીને આરોપી પી.એફ ઇન્સ્પેક્ટર (વર્ગ 2)ના બિનોદ હરિકાંત શર્માને રંગે હાથ ઝડપી લીધો હતો. ACBએ સમગ્ર મામલે ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પીએફ કચેરીના કોઇપણ કામ માટે ઓનલાઇન સુવિદ્યા હોવા છતાં આ કચેરીના કર્મચારીઓ કોઇને કોઇ કારણ આપીને પૈસા પડાવવાનો ધંધો કરે છે અથવા કામમાં વિલંબ કરતા હોય છે. પીએફ કચેરીમાં લાંચ લેતા ઝડપાયેલા બિનોદકુમાર શર્મા અગાઉ સુરત ખાતે ફરજ બજાવતા હતા અને એક વર્ષ પહેલાં જ વડોદરામાં બદલી થઇ હતી. વડોદરાની પીએફ કચેરીમાં ફરજ બજાવતા અને લાંચ લેતા ઝડપાયેલા બિનોદકુમાર શર્મા અકોટા વિસ્તારમાં જ આશીર્વાદ સોસાયટીમાં એકલા રહેતાં હતાં. તેમના પત્ની મૃત્યુ પામ્યા છે જ્યારે સંતાનો રાજસ્થાનમાં અભ્યાસ કરે છે. સર્ચ માટે આજે ટીમ તેમના ઘેર પહોંચી હતી અને ઘરને સીલ મારી દીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.