રાજ્ય આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે 17 માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાળમાં રાજ્યભરના અંદાજે 25,000 આરોગ્ય કર્મચારીઓ જોડાશે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ હતી. હવે રાજ્યના ખેલ સહાયકો ગાંધીનગરમાં હડતાળ પર ઉતરી ગયા છે. સરકારે 11 મહિનાના કરાર પર ખેલ સહાયકોની ભરતી કરી હતી. પરંતુ હવે ખેલ સહાયકોસરકારની વિરુદ્ધ થઈ ગયા છે અને કાયમી રોજગારની માંગણી સાથે કરો યા મરોની લડાઈ લડવાના મૂડમાં છે.
આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ માટે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. તેઓએ સરકારને અનેક પત્રો લખ્યા છે અને વિવિધ માધ્યમો દ્વારા તેમની માંગણીઓ પહોંચાડી છે. તેમ છતાં સરકાર દ્વારા તેમની માંગણીઓનો કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી, કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી અને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.
આરોગ્ય કર્મચારીઓ તેમના વર્તમાન ગ્રેડ પે માં વધારો કરવાની માગ કરી હતી, જે તેમના કાર્યભાર અને જવાબદારીઓને અનુરૂપ નથી. ટેકનિકલ સંવર્ગના કર્મચારીઓ તેમની ચોક્કસ સમસ્યાઓના નિરાકરણની માગ કરી હતી. જેમાં તાલીમ, સાધનો અને કાર્યકારી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓ ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની માગ કરી રહ્યા છે, જે તેઓ માને છે કે તેમની કારકિર્દીની પ્રગતિમાં અવરોધરૂપ છે. આ ઉપરાંત, કર્મચારીઓ અન્ય પડતર માંગણીઓ પણ કરી રહ્યા છે, જેમાં ભથ્થાં, રજાઓ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે.
ત્યારે ખેલ (રમતગમત) સહાયકોએ પણ પોતાની માંગણીઓ રજુ કરી છે. તેઓની માગ છે કે ખેલ સહાયક યોજના રદ કરવામાં આવે, ખેલ સહાયકોને કાયમી કરવામાં આવે. SAT પરીક્ષાને માન્યતા આપવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે અને તેમને કાયમી કરવાની સાથે વય મર્યાદા પણ વધારવામાં આવે. ગાંધીનગરમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પર વચનો આપવાનો અને લોલીપોપ આપવાનો આરોપ લગાવી રહી છે, પરંતુ આ વખતે આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો કોઈપણ કિંમતે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.