છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર-નારાયણપુર જિલ્લાની બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 5થી વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. 3ના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલીઓના મોટા કેડરની હાજરી અંગેની માહિતીના આધારે, લગભગ 500 જવાનો મુખ્ય વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યુ છે. સવારે 8 વાગ્યાથી ગોળીબાર ચાલુ છે.
પોલીસને માહિતી મળી હતી કે ઇન્દ્રાવતી નદીની પેલે પાર મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ભેગા થયા છે. આ આધારે, ઓપરેશન માટે એક દિવસ પહેલા જ દંતેવાડા અને બીજાપુરથી જવાનોએ ઓપરેશન હાથ ધર્યું છે. આજે, 25 માર્ચની સવારે, જવાનોનું નક્સલીઓ સાથે એન્કાઉન્ટર થયું. સૂત્રો કહી રહ્યા છે કે ફોર્સે નક્સલવાદીઓને ઘેરી લીધા છે. પરંતુ આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દંતેવાડાના એસપી ગૌરવ રાય અને એએસપી આરકે બર્મન કહે છે કે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટર બંધ થયા પછી અને સર્ચ ઓપરેશન પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
ચાર દિવસ પહેલા દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર બે એન્કાઉન્ટરમાં ફોર્સે 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 26 અને કાંકેરમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. નક્સલવાદીઓને તેમના TCOC (ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન) મહિનામાં જ ઠાર કરવામાં આવ્યા છે.