22 એપ્રિલ મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેની અંતિમક્રિયા કરવામાં આવશે.
44 વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.
શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલના થયો હતો. જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23મી એપ્રિલ છે. એટલે કે જન્મદિનના એક દિવસ પહેલાં તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલિમા છવાઈ જવા પામી છે. શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતાં પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું. મોટા વરાછામાં કસ્તૂરી બંગલોમાં રહેતા હિતેશભાઈને ત્યાં સગાંસંબંધીઓ દોડી ગયા હતા. દરમિયાન શૈલેષભાઈના પિતરાઈભાઈ મયૂર તાકીદે મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટથી તેઓ શ્રીનગર જવા રવાના થયા છે. મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.