જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, રાજ્યભરના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા એજન્સીએ માછીમારોને કોઈપણ શંકાસ્પદ બોટ, ડ્રોન કે અન્ય હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે. માછીમારો દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભારત-પાકિસ્તાનની જળસીમા નજીક હોવાના કારણે અગાઉ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારો અને બોટના અપહરણના બનાવો બન્યા છે. ભૂતકાળમાં આતંકવાદીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોવાથી વર્તમાન પરિસ્થિતિમાં દરિયાઈ સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશને માછીમારી માટે જતા તમામ માછીમારોને આ અંગે માહિતગાર કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠા વિસ્તારમાં નિગરાની વધુ સઘન બનાવી છે.