ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતા તનાવમાં પાકે ભારતીય એરલાઈન્સ માટે તેની હવાઈ સીમા બંધ કરી દીધા બાદ હવે ભારત પણ વળતા પગલામાં પાક વિમાનો માટે ભારતીય હવાઈ સીમા ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાન ભણી જતા જહાજો માટે ભારતીય જળસીમા અને ભારતીય બંદરોની જે સુવિધા છે તે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતે અગાઉ ડિપ્લોમેટીક અને નાગરિક સંબંધી પગલાઓ લીધા હતા. હવે આગામી સમયમાં બન્ને દેશો વચ્ચે મીની યુદ્ધની સ્થિતિ બની શકે છે તે પુર્વે જ પાકના નાગરિક ઉડ્ડયનના વિમાનો માટે ભારતીય હવાઈ સીમા બંધ કરવાથી પાક એરલાઈન્સ સહિતના વિમાનોને દક્ષિણ પુર્વ એશિયાના દેશો સુધી પહોંચવા માટે ચીન અથવા શ્રીલંકાનો લાંબો રૂટ લેવો પડી શકે છે.
સૌથી મહત્વનું ભારતીય બંદરો પર પાકના જહાજોને લાંગરવા સહિતની જે સુવિધા છે તે બંધ કરવાથી પાકને મોટો ફટકો પડશે. પાક પાસે મર્યાદીત બંદર સુવિધા છે. હવાઈ સીમા બંધ કરવાથી પાક એરલાઈન અને અન્ય વિમાનોને મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દક્ષિણપુર્વ એશિયાના દેશો સુધી પહોંચવામાં ચીન પરથી ઉડવાનો અથવા છેક નીચે શ્રીલંકાની એરસ્પેસ સુધી લાંબા થઈને પછી મૂળ માર્ગ પર જવાની ફરજ પડશે. તો જહાજી સુવિધા બંધ કરવાથી પાકના વ્યાપારી જહાજોને રીપેરીંગ સહિતની સુવિધા કે ઈંધણ માટે પણ મોટી ચિંતા થશે. હાલ પાકનો વિદેશ વ્યાપાર પણ મોટી મુશ્કેલીમાં છે તેમાં વધારો થશે.