વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની એક લાખથી વધુ બેઠકો/વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એકસાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતની તમામ બેઠકો સામેલ હશે. ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પંચાયતોના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાર મહિનામાં પૂરી થવાની શક્યતા છે. જૂની પાલિકા-પંચાયતોની મુદ્દત પણ માર્ચ 2026માં પૂરી થઇ રહી છે. નવી પાલિકાઓ સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ ચારથી છ મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ, 17 મહાનગરપાલિકાની 1200 બેઠકો,149 નગરપાલિકાની આશરે 4000, 34 જિલ્લા પંચાયતની 1300 અને 231 તાલુકા પંચાયતની 4000 અને 14600 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એકસાથે કરવામાં આવશે.