ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 17 જૂને પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે, બંને એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે તમે તેહરાન ખાલી કરીને બીજે ક્યાંક જતા રહો. ઈરાને પરમાણુ હથિયારોના વિકાસ પર રોક લગાવવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસે જણાવ્યું કે મધ્ય પૂર્વની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલી ગ્રુપ ઓફ સેવન (G7) શિખર સંમેલન પૂરું થાય તે પહેલાં જ એક દિવસ વહેલા રવાના થઈ ગયા.
ટ્રમ્પએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘ઈરાને તે ડીલ પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા જેના પર મેં તેમને સહી કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમજનક વાત છે અને માનવ જીવનનો બગાડ છે. સીધા શબ્દોમાં કહીએ તો, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં આ વારંવાર કહ્યું છે! સૌએ તરત જ તેહરાન ખાલી કરી દેવું જોઈએ!’એવામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું અમેરિકા આ યુદ્ધમાં સામેલ થવા જઈ રહ્યું છે? ટ્રમ્પે પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકાએ ઇઝરાયલના સૈન્ય હુમલામાં ભાગ લીધો નથી, પરંતુ એ શક્ય છે કે આપણે તેમાં સામેલ થઈ શકીએ. તેમણે ચેતવણી આપી હતી કે ઇરાન દ્વારા અમેરિકી સેના પરના કોઈપણ હુમલાનો ગંભીર જવાબ આપવામાં આવશે. હવે ટ્રમ્પના આ 4 પગલાં દર્શાવે છે કે આગામી 48 કલાક મહત્ત્વના બની શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને આપી ધમકી
ઈઝરાયલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી તે બાદથી જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે ઈરાન પાસે હજુ પણ એક મોકો છે, એ અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરે નહીંતર હજુ પણ ભયાનક હુમલા થશે. હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનનો પરાજય નિશ્ચિત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી કહ્યું છે, કે ‘મેં ઈરાનને પહેલા જ ડીલ કરી લેવા કહ્યું હતું. સામાન્ય શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોઈ શકે. મેં વારંવાર કહ્યું. સૌ કોઈ તાત્કાલિક તેહેરાન ખાલી કરે.